અમદાવાદની રથયાત્રામાં 24,000 સુરક્ષાકર્મી તહેનાત રહેશે, અત્યાધુનિક ટેકનોલોજીથી નજર

July 06, 2024

અમદાવાદ- ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં અમદાવાદ પોલીસે તમામ તૈયારી પૂર્ણ કરી છે. જેમાં 12500 જેટલા પોલીસ કર્મીઓ ઉપરાંત, પેરા મિલિટરી ફોર્સ સહિત 24 હજાર જેટલા જવાનો તહેનાત રહેશે. આ સાથે પોલીસે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત પણ ગોઠવાયો છે, જેમાં 14 સ્થળે પોલીસે 46 જેટલા 360 ડિગ્રી મુવમેન્ટ ધરાવતા કેમેરા લગાવ્યા છે. આ સાથે કોઇ જાહેરાત કરવા માટે 11 લોકેશન પર 22 પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ સેટ કરાઈ છે. તેમજ રથયાત્રામાં શંકાસ્પદ લોકોની ઓળખ ઝડપથી થાય તે માટે 14 સ્થળે 21 ફેસ રેકગ્નિશન કેમેરા લગાવાયા છે. ઇમરજન્સી કોલ બોક્સ પણ સેટઅપ કરાયા છે, જ્યારે સૌ પ્રથમવાર 14 સ્થળે હાઇટેક વીડિયો કેમેરા લગાવાયા છે. જેની ખાસિયત છે કે આ કેમેરાથી ભીડમાં રહેલા લોકોની સંખ્યા જાણ શકાશે. તેમજ જીપીએસ ટ્રેકર સાથેના 18 વાહનો રથયાત્રા રૂટમાં રાખવાની તૈયારી પૂરી કરાઈ છે.