બળવો કે તેની રણનીતિ? વાવ બેઠક પર ભાજપના નેતાએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી

October 25, 2024

વાવ : વાવ વિધાનસભાની ચૂંટણી વટનો સવાલ બની ગઇ છે. બનાસકાંઠાની આ હાઇ પ્રોફાઇલ સીટે ગુજરાતના રાજકારણમાં ગરમાયો લાવી દીધો છે. બંને પક્ષો માટે લાંબા સમયથી ચાલી રહેલી મૂરતિયાની શોધ આખરે પુરી થઇ છે. ભાજપ અને કોંગ્રેસે બંને પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. 


તો બીજી તરફ તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર માવજીભાઇ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હોવાથી માવજી પટેલે બળવો પોકાર્યો છે. માવજી પટેલ છેલ્લા 37 વર્ષથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલા છે. 1990 માં માવજી પટેલ જનતાદળમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત પ્રાપ્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. સમાજ પર સારી એવી પકડ છે. 


ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ માવજી પટેલએ કહ્યું હતું કે, 'મેં ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભાજપમાંથી ફાર્મ ભર્યું છે. સાથે બીજું ફાર્મ પ્રજાની લાગણીથી અપક્ષમાંથી પણ ભર્યું છે. જો પાર્ટી મેન્ડેટ આપશે તો ભાજપમાંથી ચૂંટણી લડશું અને નહીં આપે તો જનતાનો આદેશ લઈ જનતાના પ્રતિનિધી તરીકે ચૂંટણી લડશું. લોકોની લાગણી હતી કે હું ટિકિટની માંગણી કરું. વાવની જનતાના પાયાના પ્રશ્નો પર હું ચૂંટણી લડીશ. વાવ તાલુકાની જનતાને કોઇપણ જાતની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખીશું. વાવ પંથક વિકાસથી વંચિત ન રહે તે માટે કામ કરવામાં આવશે.'
ભાજપના જ દિગ્ગજ નેતાએ ભાજપમાંથી એક અને અપક્ષમાંથી પણ એક ઉમેદવારી ફોર્મ ભરતા વાવ-બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. ત્યારે શું માવજી પટેલે પક્ષના કહેવા પર ભાજપમાંથી ફોર્મ ભર્યું છે કે પછી નારાજગીના કારણે  બળવો કરીને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે? એ પણ સવાલ છે કે શું ભાજપને પોતાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું ફોર્મ રદ થવાનો ડર છે? તેથી ભાજપે વધુ એક ઉમેદવાર પાસે ફોર્મ ભરાવવાની રણનીતિ બનાવી હોઈ શકે છે.