અમદાવાદમાં ભાજપના મુસ્લિમ નેતા હિન્દુ નામ ધારણ કરીને ચૂંટણી લડ્યા

October 25, 2024

અમદાવાદ- અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2021માં નવરંગપુરા વોર્ડમાંથી ભાજપ ઉમેદવાર નિરવ કવિની જીતને કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જય પટેલે પડકારી અને દાવો કર્યો હતો કે નિરવ કવિ મુસ્લિમ છે, પોતાનું નામ અને મુસ્લિમ ઓળખ છુપાવી તે ચૂંટણી લડ્યા હતા. જેમાં 4 વર્ષ બાદ આ મામલે કોર્ટે નિરવ કવિ સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે, 'નિરવ કવિ મુસ્લિમ હોવા છતાં ખોટું નામ, જાતિ અને ધર્મ બદલી ચૂંટણી લડ્યા હતા. નિરવ જગદીશભાઈ કવિની જાતિ મુસલમાન રાજકવિ મીર છે. નિરવ કવિએ ખોટા દસ્તાવેજ ઊભા કરી ચૂંટણીપંચની સાથે જનતાને ગુમરાહ કરી છે.'


હિંમતસિંહ પટેલે કહ્યું કે, વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી ફોર્મમાં પોતાની જન્મ તારીખ 11/11/77  દર્શાવી હતી, જયારે તેમની અસલી જન્મતારીખ 1/6/75 છે. આ ખોટી જન્મ તારીખના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવ્યા હતા, જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં તેમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપી હતી, પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતા અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં.23માં ક્રિમીનલ કેસ IPCની કલમ 191, 192, 193, 196, 414, 420  મુજબ 2721/2021 નંબરનો ગુનો દાખલ કરતો હતો. નિરવ કવિની સાચી જન્મ તારીખની સાબિતિ માટે મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનું જનરલ રજીસ્ટરના રેકર્ડ સાથે જુબાની આપી હતી અને 1/6/1975 જન્મ તારીખ હોવાનું સાબિત કર્યું હતું, આમ તેમ છતાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ્દ કરી કરી હતી. જેથી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટમાં નંબર 16/2023થી ક્રિમીનલ રીવીઝન દાખલ કરી હતી.