રથયાત્રાના શુભમુર્હતમાં અમદાવાદમાં 3,500 ટુવ્હીલર અને 1100 કારનું વેચાણ

July 08, 2024

રથયાત્રાના શુભમુર્હતમાં અમદાવાદમાં 3,500 ટુવ્હીલર અને 1100 કારનું વેચાણ થયું છે. જ્યારે રાજ્યમાં 10 હજાર ટુવ્હીલર અને 2,500થી વધુ કારનું વેચાણ થયું હોવાનો વાહન ડિલરોએ અંદાજ મુક્યો છે. વાહનવ્યવહાર કમિશનરનો કડક આદેશ છતાં નંબર પ્લેટ વગર નવા વાહનો વેચાયા છે.

કેટલાક વાહન ડિલરોએ ટેકનીકલ કારણ અને ગ્રાહકોની જીદ આપીને આજે બુકિંગ કરાવનારને વાહનો વેચ્યા હોવાનું મનાય છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓની સીધી રહેમનજર હોવાથી સ્થાનિક આરટીઓ પગલાં ભરાવાની શક્યતા નહિવત છે. વાહનવ્યવહાર વિભાગના નવા નિયમો મુજબ તહેવાર સહિત અન્ય કોઇ સારા પ્રસંગે નવું વાહન છોડાવવું હોય તો અગાઉથી વાહન રજિસ્ટ્રેશન કરાવું પડે છે.

જેથી કરીને ડિલર નંબર પ્લેટ ફીટ કરીને જ વાહનની સમયસર ડિલિવરી કરી શકે. પરંતુ છેલ્લી ઘડીએ ટુવ્હીલર કે કાર લેવા આવેલા ગ્રાહકોને નંબર પ્લેટ વગર કેટલાક નવા વાહનોનું વેચાણ કરાયું હોવાનું વાહન ડિલરો તરફથી જાણવા મળ્યું છે. હવે વેચાણ થયેલા નવા વાહનોને CNA ફોર્મ ભરીને પસંદગીના નંબરોની યાદીમાં મૂકી દેશે. જેથી પસંદગીના નંબર માટે 60 દિવસનો સમય મળી શકશે