અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ

June 14, 2024

અમદાવાદ- રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (14મી જૂન) અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. તેની આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે. ફાયર વિભાગની 11 જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. કાપડ અને સિન્થેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ છે. 
મળતી માહિતી અનુસાર દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે. જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જો કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.