અમેરિકાએ ભારત પર 25% વધારાના ટેરિફનું નોટિફિકેશન જારી કર્યું

August 26, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે ભારત પર મૂકાયેલા વધારાના 25 ટકા ટેરિફનો અધિકૃત નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે 27 ઓગસ્ટ 2025ની મધ્યરાત્રિથી લાગુ પડશે. હવે આવતી કાલથી ભારતને કુલ 50 ટકા ટેરિફ ભરવો પડશે. બીજી તરફ, ભારતે "ટ્રંપ ટેરિફ" સામે કડક વલણ પણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે અમેરિકા આર્થિક દબાણ બનાવી રહ્યું છે, પણ ભારત આ દબાણ સામે નમશે નહીં.

અમેરિકા દ્વારા 1 ઓગસ્ટ 2025ના રોજ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. 6 દિવસ બાદ અમેરિકાએ ભારત પર વધુ 25 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી, જેને પેનલ્ટી ટેરિફ કહેવામાં આવી રહ્યુ છે.

આ પેનલ્ટી ટેરિફ એટલે લાગ્યો કારણ કે ભારતે રશિયા પાસેથી ઓઇલ અને સંરક્ષણ સાધનોની ખરીદી કરી છે. જેના કારણે અમેરિકા નારાજ છે. અમેરિકાનું કહેવું છે કે રશિયા પાસેથી ઓઇલ અને હથિયારો ખરીદીને ભારત પરોક્ષ રીતે રશિયાને ફંડિગ કરી રહ્યુ છે અને આર્થિક મદદનો ઉપયોગ કરીને યુક્રેન સામે યુદ્ધ લડવા તૈયાર કરી રહ્યુ છે.