એશિયા પાવર ઈન્ડેક્સ 2025 જાહેર, દુનિયાના ટોપ-10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે

November 28, 2025

ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટિટ્યૂટએ પોતાનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં એશિયાના 27 દેશોમાં સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જે આઠ મુખ્ય ક્ષેત્રો(સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ, લચીલાપણું અને ભવિષ્યના સંસાધન ક્ષમતા) પર આધારિત છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે એશિયાની પ્રાદેશિક શક્તિના સમીકરણોમાં મોટા ફેરફારો થયા છે, જેમાં ચીન એક પ્રમુખ શક્તિ તરીકે મજબૂત રીતે ઉભરી રહ્યું છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રભાવમાં છેલ્લા વર્ષોની તુલનાએ ઘટાડો નોંધાયો છે. તેમજ ભારત સતત આગળ વધી રહ્યું છે. લોવી ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં એશિયામાં ભારતનો વધતો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. વર્ષ 2025માં ભારતે 40.0 સ્કોર મેળવીને 'મેજર પાવર' બનવાની સીમા પાર કરી લીધી છે. ભારતનો આ ઉદય મુખ્યત્વે તેની મજબૂત આર્થિક વૃદ્ધિ અને વધતી સૈન્ય તાકાતને કારણે થયો છે. જોકે, રિપોર્ટ દર્શાવે છે કે ભારતનો રાજદ્વારી અને આર્થિક પ્રભાવ હજી સુધી તેની વધેલી સૈન્ય અને સંસાધન શક્તિ સાથે સંપૂર્ણપણે મેળ ખાતો નથી, જેનો અર્થ છે કે ભારત પાસે ભવિષ્યમાં પોતાની શક્તિ વધારવાની હજી ઘણી મોટી સંભાવનાઓ છે.