કંગનાના નિવેદન પર NDAમાં બબાલ, નીતિશની પાર્ટીએ કરી એક્શનની માગ

September 25, 2024

દિલ્હી  :  ભાજપના લોકસભા સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પોતાના નિવેદનને લઈને એક વખત ફરી ચર્ચામાં છે. કંગનાએ ભારતના ખેડૂતોને સંબંધિત નિવેદન આપ્યુ છે. ભાજપ સાંસદનું નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે. ભાજપે કંગનાના નિવેદન અંગે કહ્યું કે આ પાર્ટીનું નિવેદન નથી. જોકે હવે અલગ-અલગ પાર્ટીના નેતાઓ તરફથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

એલજેપી પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કંગનાના નિવેદન પર કહ્યું, 'આ કંગનાનું પર્સનલ સ્ટેટમેન્ટ હોઈ શકે છે, આ તેમનો વિચાર હોઈ શકે છે. પાર્ટીનું કોઈ નિવેદન નથી.'

દિલ્હી કોંગ્રેસ ચીફ દેવેન્દ્ર યાદવે સવાલ ઉઠાવતાં કહ્યું, 'કંગના રણૌતને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે તે વિચારવા જેવો સવાલ છે. શા માટે પાર્ટી તેમને રોકી રહી નથી? આ મહિલાએ પહેલા ખેડૂતોને આતંકવાદી કહ્યા હતા. આ ખેડૂતો માટે શરમજનક નિવેદન આપે છે, આમાં ભાજપની મૌન સંમતિ છે.'

જનતા દળ યુનાઈટેડના સીનિયર લીડર કેસી ત્યાગીએ કહ્યું કે 'કંગના રણૌતનું નિવેદન ખેડૂતોનું અપમાન છે, ભાજપે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. આ તો વડાપ્રધાનના નિર્ણયનું અપમાન છે. અમે પણ આ કૃષિ કાયદા વિરુદ્ધ હતાં, અમે કંગના રણૌતના નિવેદનનો વિરોધ કરે છીએ.'

નિવેદનબાજી પર જાતભાતના સવાલ ઉઠાવ્યા બાદ કંગના રણૌતે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'બિલકુલ, કૃષિ કાયદા પર મારા વિચાર અંગત છે અને તે બિલ પર પાર્ટીના વલણનું પ્રતિનિધિત્વ કરતાં નથી.' કંગના રણૌતે આ વાત ભાજપ લીડર ગૌરવ ભાટિયાના નિવેદનને સોશિયલ મીડિયા પર રીપોસ્ટ કરતાં કરી છે.