વન-ડેમાં બાબર આઝમના 6 હજાર રન પૂરા, કોહલીનો રેકોર્ડ તોડયો

February 15, 2025

પાકિસ્તાનનો અનુભવી બેટ્સમેન બાબર આઝમ સંયુક્ત રીતે વન-ડેમાં ફાસ્ટેસ્ટ છ હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાતી ત્રિકોણીય શ્રોણીની ફાઇનલમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. બાબરે ભારતના વિરાટ કોહલી કરતાં ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. બાબરે 126 મેચની 123 ઇનિંગ્સમાં છ હજાર રન પૂરા કર્યા છે.

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન હાશિમ અમલાએ પણ આ સિદ્ધિ મેળવવા માટે 123 ઇનિંગ્સનો સમય લીધો હતો. કોહલીએ 2014માં 136 ઇનિંગ્સમાં છ હજાર રનનો માઇલસ્ટોન પાર કર્યો હતો. ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સને 137 ઇનિંગ્સમાં તથા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 139 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. બાબર 2023ના મે મહિનામાં ફાસ્ટેસ્ટ પાંચ હજાર વન-ડે રન પૂરા કરનાર ખેલાડી બન્યો હતો. તેણે માત્ર 97 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. 2023ના વન-ડે વર્લ્ડ કપ બાદ બાબર સતત આઉટ ઓફ ફોર્મે રહ્યો છે.