બજરંગ પુનિયા અને રવિ દહિયા પેરિસ ઓલિમ્પિકની રેસમાંથી બહાર, ટ્રાયલ્સમાં પરાજય

March 10, 2024


દિલ્હીઃ ભારતીય રેસલર બજરંગ પુનિયા અને રવિ દહિયા પેરિસ ઓલિમ્પિક ક્વોલીફિકેશનની રેસમાંથી બહાર થઈ ગયા છે. આ બંને રેસલરે નેશનલ ટીમ સિલેક્શનની ટ્રાયલ્સમાં હારનો સામનો કરવો પડ્યો છે. બજરંગ પુનિયા ભારતીય રેશલિંગ મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને લઈને ખુબ ચર્ચામાં રહ્યો હતો. પુનિયાને મેન્સની ફ્રીસ્ટાઇલ 65 કિલોગ્રામ વર્ગની સેમીફાઈનલમાં રોહિત કુમારે પરાજય આપ્યો છે. રોહિતે આ મુકાબલો 1-9થી જીત્યો હતો. બજરંગે આ પહેલા રવિંદર વિરુદ્ધ મેચ રમી હતી. તેમાં તેને માંડમાંડ જીત મળી હતી. 

રિપોર્ટ્સ પ્રમાણે બજરંગ સેમીફાઈનલમાં હાર બાદ ખુબ ગુસ્સામાં હતો. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા) ના અધિકારીઓએ પુનિયાના ડોપ નમૂના લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ત્રીજા-ચોથા સ્થાનના મુકાબલા માટે પણ રોકાયો નહીં. બજરંગે ટ્રાયલ્સ માટે રશિયામાં ટ્રેનિંગ લીધી હતી. પરંતુ હવે તેનું પેરિસ જવાનું સપનું રોળાઈ ગયું છે. ટોક્લો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર રવિ દરિયાએ પણ ટ્રાયલ્સમાં હારનો સામનો કરવો પડ્યો છે. દહિયાએ તાજેતરમાં ઈજા બાદ વાપસી કરી છે.

તેને અમને 13-14થી પરાજય આપ્યો છે. અમને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બજરંગ પુનિયાની વાત કરીએ તો તેણે બર્મિંઘમ કોમનવેલ્શ ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે કેનેડાના એલ. મૈકલીનને 9-2થી હરાવ્યો હતો. બજરંગનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સતત બીજો ગોલ્ડ મેડલ હતો. રોહિતે ફાઈનલમાં સુજીત કલકલ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. સુજીતે નેશનલ ટીમમાં જગ્યા બનાવી લીધી છે. હવે તે પેરિસ ઓલિમ્પિક માટે 65 કિલોગ્રામ વર્ગની કોટા અપાવવાનો પ્રયાસ કરશે. તો રોહિત હવે એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અમને 57 કિલોગ્રામમાં ઓલિમ્પિક ક્વોલીફાયરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 


અત્યાર સુધી અંતિમ પંઘાલ (મહિલા 53 કિલો) દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે એક કોટા હાસિલ કર્યો છે. જો ટ્રાયલ્સમાં જીતનાર રેસલરો પર નજર કરીએ તો જયદીપ (74 કિગ્રા), દીપક પુનિયા (86 કિગ્રા), દીપક નેહરા (97 કિગ્રા) અને સુમિત મલિક (125 કિગ્રા) સામેલ છે. તો એશિયન ક્વોલીફાયર માટે ભારતીય ટીમ જોઈએ તો અમન સહરાવત (57 કિલો), સુજીત કલકલ (65 કિલો), જયદીપ (74 કિલો), દીપક પુનિયા (86 કિલો), દીપક નેહરા (97 કિલો) અને સુમિત મલીક (125 કિલો) નું નામ સામેલ છે.