જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો

February 18, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે જ્યારે કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ 57 ટકા જેટલું મતદાન પૂર્ણ થયું હતું. જ્યારે ધ્રોલ નગરપાલિકાના 1 વોર્ડમાં ઉમેદવારનું મૃત્યુ થતા 4 સીટની ચૂંટણી મુલતવી રહી હતી.

પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જામ્યો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. વળી રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી. 

પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો.
ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે.
આ સિવાય ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે.

મહુધામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું, અપક્ષના ખાતમાં 10

ખેડાના મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલી શકી. 24 બેઠકમાંથી ભાજપના ખાતામાં 14 અને અન્યના ખાતામાં 10 બેઠકો આવી છે.

ખેડબ્રહ્મામાં ભગવો

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 17 બેઠક સાથે ભાજપે બહુમતનો આંકડો પાર કરી જીત હાંસલ કરી છે. આ સાથે કોંગ્રેસના ખાતામાં 11 બેઠકો આવી છે.

જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક જગ્યાએથી બબાલના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં પરિણામ બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે.