વિદેશી હસ્તક્ષેપ અંગે અમે ચિંતિત - US ફંડિંગના દાવા પર ભારત સરકારનું નિવેદન

February 21, 2025

કેન્દ્ર સરકારે શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે, યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડૅવલપમેન્ટ(યુએસએઆઇડી)એ 'ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના' ઇઈરાદાથી ભારતને 21 મિલિયન ડૉલરનું ફંડ ફાળવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી કે, 'અમે અમેરિકાની કેટલીક પ્રવૃત્તિઓ અને ફંડ અંગે અમેરિકી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં લીધી છે. તેમનું નિવેદન સ્પષ્ટપણે ખૂબ જ અયોગ્ય છે. આનાથી ભારતના આંતરિક મામલામાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતાઓ વધી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે જાહેરમાં હાલ કોઈ પ્રતિક્રિયા આપવી અયોગ્ય છે. અમે તપાસ કરી રહ્યા છીએ.' તેમણે વધુમાં કહ્યું કે 'સરકાર આ મામલે સક્રિયપણે તપાસ કરી રહી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ વિના આ અંગે જાહેરમાં હાલ કોઈ પ્રતિક્રિયા આપવી અયોગ્ય છે. અમે ઝડપથી આ મામલે સ્પષ્ટતા રજૂ કરીશું.'