અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, થીજી ગયેલી નદીમાં તૂટી પડ્યું, એકનું મોત

February 21, 2025

ઈડાહો : અમેરિકાના ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અને અન્ય એક ઘાયલ છે. બોનવિલે કાઉન્ટી શેરિફ કાર્યાલયે જણાવ્યું કે, બચાવ દળ સન્નોમોબાઈલના સહારે ઘટનાસ્થળે પહોંચી છે. હેલિકોપ્ટરની અંદર બે લોકો હતા. જેમાં એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતું. જ્યારે અન્ય એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો. 


શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, અમેરિકાના સ્થાનિક સમય અનુસાર, બુધવારે બપોરે હિમવર્ષાના કારણે થીજી ગયેલા જળાશયમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. આ ઘટનાની આસપાસના વિસ્તારને કોઈ અસર થઈ નથી. જો કે, એક વીજ લાઈન પડી ગઈ હતી. ફેડરલ એવિએશન એસોસિએશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને આ અંગે માહિતી આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકામાં પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશની ઘટનાઓ બની રહી છે. ગત મહિને વોશિંગ્ટનની બહાર મિલિટ્રી હેલિકોપ્ટર પેસેન્જર જેટ સાથે અથડાયું હતું. જેમાં 67 લોકો માર્યા ગયા હતાં. બંને એરક્રાફ્ટ પોટોમેક રિવરમાં ખાબક્યા હતાં.