હથકડી પહેરીને નીકળ્યા અમિત ચાવડા સહિતના કોંગ્રેસ ધારાસભ્યો, અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા પર પ્રદર્શન

February 19, 2025

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે (19 ફેબ્રુઆરી) ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ 'ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન'ના નારા લગાવ્યા હતાં. 

વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હઠકડીનો વિરોધ કર્યો હતો.

જણાવી દઈએ કે, હાલમાં જ અમેરિકાથી પરત લાવવામાં આવેલાં ગુજરાતના ત્રણ ગેરકાયદે અપ્રવાસીઓને સોમવારે (17 ફેબ્રુઆરી) અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ રવિવારે (16 ફેબ્રુઆરી) 112 ગેરકાયદે અપ્રવાસીઓનું ત્રીજુ વિમાન અમૃતસર એરપોર્ટ ઉતર્યું હતું. 5 ફેબ્રુઆરીએ ગેરકાયદે રૂપે અમેરિકામાં પ્રવેશ કરનાર ભારતીયોનું પહેલું ગ્રુપ અમેરિકાના વાયુસેનાના વિમાનમાં પંજાબના અમૃતસરમાં પહોંચ્યું હતું.

આ પહેલાં શનિવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આશ્વાસન આપ્યું હતું કે, 'પરત મોકલવામાં આવેલાં લોકો સાથે પંજાબમાં યોગ્ય વ્યવહાર કરવામાં આવશે અને તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દેશનિકાલ કરવામાં આવેલાં લોકોને તેમના રાજ્યમાં લઈ જતા પહેલાં અમુક કલાકો સુધી અમૃતસર રહેવું પડશે. કારણકે, વિદેશ મંત્રાલયે પહેલાંથી જ ફ્લાઇટ બુક કરી લીધી છે. અમારા જ બાળકો અહીં આવી રહ્યાં છે, તેથી અહીં કોઈ ભૂખ્યું ન રહે, અમે તમામ વ્યવસ્થા કરીશું.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રહેતા પોતાના નાગરિકોને પરત લાવવાની ભારતની ઈચ્છા વ્યક્ત કરી અને માનવ તસ્કરીની ઇકોસિસ્ટમને ખતમ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ ઇકોસિસ્ટમને ખતમ કરવામાં ભારત સાથે સંપૂર્ણ સહયોગ કરશે. વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય વાર્તા બાદ રાષ્ટ્ર પ્રમુખ સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, 'જે લોકો બીજા દેશોમાં ગેરકાયદે રહે છે, તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, અમે હંમેશા કહ્યું કે, જે લોકો ગેરકાયદે અમેરિકામાં રહે છે અને ખરેખર તે ભારતીય નાગરિક છે, તો એવા લોકોને પરત લાવવા માટે અમે તૈયાર છીએ.'