રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય

February 19, 2025

26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે.  ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી છે. ગુરુવારે (20 ફેબ્રુઆરી) રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે. જ્યારે છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપ માત્ર 3 અને 8 બેઠકો સુધી જ સીમિત રહી હતી. છેલ્લી ચૂંટણીમાં 62 બેઠકો જીતનાર AAP આ વખતે માત્ર 22 બેઠકો જ જીતી શકી છે. 


દિલ્હી ભાજપ ધારાસભ્ય દળના નેતા રેખા ગુપ્તાએ રાજભવન ખાતે ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

રેખા ગુપ્તાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'મારા પર વિશ્વાસ કરીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવા માટે હું તમામ શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.'

પરવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેના નામ પર મહોર લાગી છે. ગુરૂવારે (20 ફેબ્રુઆરી) રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.