મિત્ર મોદી અને ભારતને 21 મિલિયન ડોલર અપાતાં હતા, મારે પણ જોઈતા હતા : ફરી વખત ટ્રમ્પના નિવેદનથી હોબાળો

February 22, 2025

અમેરિકા પાસેથી ભારતને મળેલા 21 મિલિયન ડોલરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મતદાન ટકાવારી વધારવા માટે ભારતને મળેલા 21 મિલિયન ડોલરનો મુદ્દો ઉઠાવ્યો છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે $21 મિલિયનની ગ્રાન્ટ ભારત માટે નહીં પરંતુ બાંગ્લાદેશ માટે હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતને મતદાન ટકાવારી વધારવા માટે 21 મિલિયન ડોલર આપવામાં આવી રહ્યા છે. અમે ભારતમાં મતદાન માટે 21 મિલિયન ડોલર આપી રહ્યા છીએ. અમારું શું? હું પણ મતદાન વધારવા માંગુ છું.'

આ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં બાંગ્લાદેશને મળેલી 29 મિલિયન ડોલરની અમેરિકન સહાયનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે રાજકીય માહોલમાં સ્થિરતા લાવવા માટે બાંગ્લાદેશને 29 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં, US$29 મિલિયન એક એવી ફર્મને આપવામાં આવ્યા હતા જેના વિશે કોઈએ ક્યારેય સાંભળ્યું ન હતું. તે પેઢીમાં માત્ર બે લોકો કામ કરતા હતા.'
ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે એક નવો વિભાગ બનાવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) નામનો આ વિભાગ યુએસ સરકારના ખર્ચમાં કાપ મૂકે છે. ટ્રમ્પે ટેસ્લાના માલિક ઇલોન મસ્કને આ વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે. 

જેમાં ટ્રમ્પે ભારતને અમેરિકી સરકારી એજન્સી USAID દ્વરા આપવામાં આવતા 21 મિલિયન ડોલર એટલે કે 182 કરોડ રૂપિયાની સહાય પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઉપરાંત, યુએસ સરકાર બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને લોકશાહી શાસનને વધારવા માટે 29 મિલિયન ડોલરની સહાય આપી રહી છે. યુએસ પ્રશાસને હવે આ રકમ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો: મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ હશે PM મોદી, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી સંસદ

ભારતને આપવામાં આવતા 21 મિલિયન ડોલર પર કાપ મૂકવામાં આવ્યો છે. પરંતુ ભૂતકાળમાં આ રકમ કોને મળી તે અંગે ભારતમાં ખળભળાટ મચી ગયો હતો. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

આ સમગ્ર મામલે વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ભારતીય સરકારી વિભાગો USAID સાથે અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરે છે અને હવે આ સમગ્ર મામલાની સમીક્ષા કરવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે અમે અમારા સાર્વભૌમત્વ અને ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ બાહ્ય હસ્તક્ષેપને લઈને અત્યંત સાવધ છીએ.