બિહારમાં પરીક્ષામાં નકલ મુદ્દે વિવાદ બાદ ફાયરિંગ, એક વિદ્યાર્થીની હત્યા

February 21, 2025

ગુસ્સે ભરાયેલા લોકોએ હાઇવે જામ કર્યો


સાસારામ : બિહારના સાસારામમાં પરીક્ષા કેન્દ્રમાં ઉત્તરવહીમાં જોઈને ચોરી કરતા રોક્યા તો બે ગ્રુપ વચ્ચે મારપીટ અને અંધાધૂંધ ફાયરિંગ થયું.  આ દરમિયાન ગોળી વાગવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિવાદમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે એક સગીર છોકરાને હથિયાર સાથે પકડ્યો છે. વિદ્યાર્થીના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
આ ઘટના ધૌડાઢ પોલીસ સ્ટેશન વિસ્તારના તારાચંડી નજીક બની હતી જ્યાં ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા કેન્દ્રમાં ઉત્તરવહીઓ જોઈને ચોરી કરતા રોકતા વિદ્યાર્થીઓમાં વિવાદ થઈ ગયો અને બંને ગ્રુપો એકબીજા સાથે અથડાયા. આ ફાયરિંગમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે જ્યારે બીજો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે.

મૃતક અમિત કુમાર ડેહરીના શંભૂ બિગહાના નિવાસી મનોજ યાદવનો દીકરો હતો. વિવાદમાં સામેલ તમામ છોકરા હાઈ સ્કૂલ ડેહરીના વિદ્યાર્થી છે. આ તમામનું પરીક્ષા કેન્દ્ર સાસારામના સંત અન્ના હાઈ સ્કૂલમાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પરીક્ષા દરમિયાન જ્યારે એક્ઝામ હોલની અંદર ઉત્તરવહીમાં જોઈને ચોરી કરતા રોક્યા તો કેટલાક છોકરાઓએ બબાલ કરી. આ બબાલમાં મારપીટ દરમિયાન જ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં બે વિદ્યાર્થીઓને ગોળી વાગી. સારવાર દરમિયાન અમિત કુમારનું મોત થઈ ગયું છે જ્યારે બીજી તરફ બીજો વિદ્યાર્થી સંજીત કુમારની હાલત ગંભીર છે. પોલીસે અમિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપી દીધો છે.