સંભલ હિંસામાં દુબઈ કનેક્શન 'સરવે માટે આવે તેને મારો

February 21, 2025

સંભલ : સંભલમાં થોડા મહિના પહેલાં થયેલી હિંસાના કેસમાં દુબઈ કનેક્શન હોવાનો મોટો ખુલાસો થયો છે. દુબઈમાં બેઠેલા હથિયાર સપ્લાયર અને હવાલા ઓપરેટર શારિક સાઠાએ સંભલ હિંસામાં મોટી ભૂમિકા ભજવી હોવાની જાણકારી મળી છે. આ ખુલાસો સંભલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ગુલામ શાહે કર્યો છે. ગુલામ શાહે જણાવ્યું છે કે, સંભલમાં હિંસા ફેલાવવા દુબઈ ફોન લગાવવામાં આવ્યો હતો. 23 ફેબ્રુઆરીએ સંભલથી દુબઈમાં બેઠેલા શારિક સાઠાને ફોન કરવામાં આવ્યો હતો. તેને સંભલની સ્થિતિ વિશે જણાવી હથિયારનો સપ્લાય કરવા કહેવામાં આવ્યુ હતું. તેમજ તેના સાગરિતોને આદેશ સંભલ મસ્જિદ કેસમાં વકીલને ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


શારિક સાઠા સંભલ વિસ્તારનો ગુંડો છે. તેની વિરૂદ્ધ 50થી વધુ કેસો નોંધાયેલા છે. શારિક સાઠાની ઘણી ગેંગ સંભલમાં છે. સાઠા નકલી પાસપોર્ટના આધારે દિલ્હીથી દુબઈ ફરાર થયો હતો. સાઠા દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે જોડાયેલો છે. તે સંભલમાં હવાલા મારફત કાળુ નાણું પણ પહોંચાડે છે. પૂછપરછમાં ખુલાસો થયો કે, શારિક સાઠાના માણસોએ જ પોલીસ અને ભીડ પર ગોળીબાર કર્યો હતો. જેના લીધે ઘણા લોકોના મોત નીપજ્યા હતા. સર્વે અધિકારીઓ સાથે આવેલા વકીલને મારીને હિંસાને વિકરાળ સ્વરૂપ આપવા માગતા હતા. તેમજ તેમણે પોલીસને બદનામ કરી હિંસા ભડકાવી હતી.