શેરબજારમાં 'બ્લડ બાથ'... 20 લાખ કરોડ સ્વાહા: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાના 5 કારણો

April 07, 2025

વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરૂઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઈન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં  પણ ઐતિહાસિક 1160.8 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયુ છે. 

બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. વૈશ્વિક શેરબજારોમાં અફરાતફરીના માહોલ છે. દેશનો વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX પર 52 ટકા વધી 21ની નોંધનીય ટોચે પહોંચ્યો છે. આવો જાણીએ શેરબજારમાં મોટા કડાકા પાછળના કારણો...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ 2231 પોઈન્ટ, નાસડેક 962 પોઈન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ 2370.25 પોઈન્ટ હેંગસેંગ 2445 પોઈન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 5 ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવૉર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતુ નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારૂ વેપાર નીતિ બનાવશે.

2. ટેરિફ પ્રત્યે કડક વલણની અસર

ટ્રમ્પ સરકારે 180થી વધુ દેશોમાં ટેરિફ લાદવા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેનાથી બજારમાં ચિંતા વધી છે. અમેરિકા સાથે ઝડપી વાટાઘાટો મારફત અનુકૂળ પરિણામની અપેક્ષા નકારાત્મક રહી છે. જેના પગલે ભારતીય શેરબજાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વધુ ઘટવાની આશંકા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

3. આર્થિક મંદીની ભીતિ

ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરી દીધું છે. જેનાથી વિશ્વભરમાં ટ્રેડવૉર શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધશે. જેથી કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટશે. પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે. જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ 40 ટકાથી વધારી 60 ટકા કર્યો છે. અમેરિકાના ટ્રેડ નીતિના કારણે મોંઘવારી વધશે. પરિણામે મંદી વધશે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના 26 ટકા રેસિપ્રોકલ ટેરિફના કારણે 6.3 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો છે. 

4. એફપીઆઈ વેચવાલી

ગતમહિને કેશ સેગમેન્ટમાં ખરીદી વધ્યા બાદ ટ્રમ્પના ટેરિફના કારણે એપ્રિલમાં એફઆઈઆઈએ ફરી પાછી વેચવાલી શરૂ કરી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફપીઆઈએ એપ્રિલમાં અત્યારસુધીમાં કુલ રૂ. 13730 કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે.  જો ભારત ટ્રમ્પ સરકાર સાથે ટેરિફ મામલે કોઈ ઉકેલ નહીં લાવે તો એફપીઆઈ વધુ વેચવાલી નોંધાવી શકે છે.

5. આરબીઆઈ MPC બેઠક

આરબીઆઈની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક આજથી શરૂ થઈ છે. 9 એપ્રિલના રોજ આરબીઆઈ વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જોવા મળી છે. જે જીડીપી ગ્રોથને ટેકો આપશે. વૈશ્વિક અસરો ઉપરાંત આરબીઆઈની જાહેરાત પહેલાં સ્થાનિક રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવી હાલ નવી ખરીદી અટકાવી છે. વધુમાં આ સપ્તાહથી ચોથા ત્રિમાસિકના પરિણામો પણ જાહેર થશે.