કેનેડાના નવા PM બની શકે છે અનિતા આનંદ

January 07, 2025

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ લગભગ એક દાયકાના શાસન પછી 6 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું. જેના કારણે રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે. કેનેડાના આગામી વડા પ્રધાનની રેસમાં અનિતા આનંદ, પિયર પોલિવરે, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ની જેવા અગ્રણી નામો ઉભરી રહ્યા છે. આ પૈકી, ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો અનિતા આનંદ કેનેડાના પીએમ બને છે, તો એવી આશા રાખી શકાય છે કે ભારત સાથે કેનેડાના સંબંધો ફરી સારા બની શકે છે, જે ટ્રુડોના સમયમાં ખૂબ જ ખરાબ થઇ ગયા હતા.

કેનેડામાં ભારતીય મૂળના લોકોની નોંધપાત્ર સંખ્યા છે. આ કારણથી ભારતીય મૂળની વ્યક્તિનું પીએમ બનવું ભારત માટે સારા સંકેત છે. આ પહેલા ટ્રુડોના શાસનકાળ દરમિયાન ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા. કેનેડાની સરકારે આ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા ન હતા.

લિબરલ પાર્ટીમાં આગામી વડાપ્રધાનની રેસ તેજ થઈ ગઈ છે. સંસદનું સત્ર 27 જાન્યુઆરીથી 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે, જેથી લિબરલ પાર્ટીને તેના નવા નેતાની પસંદગી માટે સમય મળી શકે. આ સમય દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ પણ લિબરલ પાર્ટીને પડકારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના કારણે નવા નેતાની પસંદગી થયા બાદ ચૂંટણીની સંભાવના છે.

જસ્ટિન ટ્રુડોનું સ્થાન લઈ શકે તેવા ટોચના પાંચ ઉમેદવારોમાં ભારતીય મૂળની અનિતા આનંદની ગણતરી કરવામાં આવી છે. 57 વર્ષીય અનિતા આનંદ હાલમાં દેશના પરિવહન અને ગૃહ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના શૈક્ષણિક અને રાજકીય બેકગ્રાઉન્ડના કારણે, તેઓ એક મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ તરીકે ઉભરી આવે છે.

અનિતા આનંદે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સ્ટડીઝ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રમાં સ્નાતક, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી અને ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી મેળવી છે. વધુમાં, તેમણે યેલ, ક્વીન્સ યુનિવર્સિટી અને વેસ્ટર્ન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણાવ્યું પણ છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર હતા.

કેનેડામાં પીએમ પદની રેસમાં ભારતીય મૂળની સાંસદ અનિતા આનંદ પણ ચર્ચામાં છે. તેઓ કેનેડાના સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ હાલમાં ટ્રાન્સપોર્ટ અને ઈન્ટર્નલ ટ્રેડ મંત્રી પણ છે. જો અનિતા આનંદના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તેમનો જન્મ 1967માં નોવા સ્કોટીયામાં થયો હતો. તેમના માતા-પિતા, સરોજ ડી. રામ અને એસ.વી. (એન્ડી) આનંદ, બંને ભારતીય તબીબી હતા. તેમની માતા સરોજ પંજાબના છે અને પિતા એસ.વી. આનંદ તમિલનાડુના છે. તેમની બે બહેનો ગીતા અને સોનિયા આનંદ પણ પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે. અનિતા આનંદે વર્ષ 2019માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યારથી તે લિબરલ પાર્ટીના સૌથી મહત્વાકાંક્ષી સભ્યોમાંના એક બની ગયા.

તેમણે COVID-19 દરમિયાન જાહેર સેવાઓ અને ખરીદ મંત્રી તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં રસી મેળવવાના તેમના પ્રયત્નો માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. વર્ષ 2021 માં, તેમણે કેનેડાના રક્ષા મંત્રી રહીને તેમણે યુક્રેનને પણ મદદ કરી હતી. અનિતાએ એર ઈન્ડિયા તપાસ પંચને વ્યાપક સંશોધનમાં પણ મદદ કરી હતી. કમિશને 23 જૂન 1985ના રોજ એર ઈન્ડિયા કનિષ્ક ફ્લાઈટ 182 પર બોમ્બ વિસ્ફોટની તપાસ કરી હતી, જેમાં સવાર તમામ 329 લોકો માર્યા ગયા હતા. આ મામલો ખાલિસ્તાનીઓ સાથે સંબંધિત હતો.