કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને પદ પરથી હટાવવા તેમના જ સાંસદો મેદાનમાં

October 14, 2024

ઓટ્ટાવા: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આગામી વર્ષે કેનેડામાં ફેડરલ ચૂંટણીમાં તેમની સરકાર જવાની અટકળો સેવાઈ
રહી છે ત્યારે હવે તેમની લિબરલ પાર્ટીના સાંસદોને જ તેમના પર વિશ્વાસ નથી રહ્યો. શાસક પક્ષના સાંસદોનું એક જૂથ ટ્રુડો પર વડાપ્રધાનપદ છોડવા દબાણ કરી રહ્યું છે.

કેનેડાના મીડિયામાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ટોરોન્ટો અને મોન્ટ્રિયલમાં તાજેતરમાં થયેલી પેટા ચૂંટણીઓમાં પરાજય પછી પક્ષમાં અસંતોષ ટોચ પર પહોંચી ગયો છે, જેના કારણે લિબરલ પાર્ટીના અસંતુષ્ટ સાંસદો વચ્ચે અનેક ગુપ્ત બેઠકો થઈ
હતી. આ સાંસદો વડાપ્રધાનપદ પરથી જસ્ટિન ટ્રુડોને હટાવવા માગે છે અને નેતૃત્વમાં પરિવર્તન માટે ઓછામાં ઓછા ૨૦ નેતાઓના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.

આ વર્ષે જૂન મહિનામાં ટોરોન્ટો સેન્ટ પૉલ પેટા ચૂંટણીમાં ટ્રુડોના પક્ષનો આશ્ચર્યજનક પરાજય થયો હતો, ત્યાર બાદથી જ તેમના પક્ષમાં જબરજસ્ત અસંતોષ વધી રહ્યો છે. મોન્ટ્રિયલ પેટા ચૂંટણીમાં પરાજય પછી તેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
એશિયામાં તાજેતરમાં જ થયેલા શિખર સંમેલનમાં ટ્રુડો અને તેમના ચીફ ઓફ સ્ટાફ કેટી ટેલફોર્ડની ગેરહાજરીએ નિરાશ સાંસદોને બેઠક કરવા અને આગળની રણનીતિ બનાવવાની તક આપી હતી. 

આ પહેલા ટોરોન્ટો સ્ટારના એક જૂના લેખમાં પણ બાવન વર્ષીય ટ્રુડો પર પદ છોડવા માટે જાહેરરૂપે દબાણ લાવવાના પ્રયત્નો અંગે વિસ્તારથી જણાવાયું હતું. અખબારના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા ૩૦થી ૪૦ સાંસદ એક પત્ર પર
હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે.જોકે, આ લેખમાં જણાવાયેલી સંખ્યા વાસ્તવિક આંકડા કરતા ઓછી હોઈ શકે છે. ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં ૧૫૩ બેઠકો છે. અસહમતિ વ્યક્ત કરનારા નેતાઓ દ્વારા
હસ્તાક્ષરિત આ દસ્તાવેજ પારંપરિક પત્રના બદલે એક પ્રતિજ્ઞાા રૂપે હોવાનું જણાવાયું છે, જેનો આશયને રાજીનામા માટે સાંસદો પ્રત્યે કટિબદ્ધતા હાંસલ કરવાનો છે, જેથી પીએમઓ દ્વારા વિરોધ થાય તો એક બંધનકારક સમજૂતી કરી
શકાય. દસ્તાવેજ પર હસ્તાક્ષર કરનારા એક સાંસદે જણાવ્યું કે આ એક વીમા પોલિસી છે. અમારે પીએમઓ પર દબાણ વધારતા પહેલા જ કાર્યવાહી કરવાની હતી. 

બીજીબાજુ કેનેડાનાં ટ્રેડ મંત્રી મેરી એનજીએ કહ્યું કે તેઓ સાંસદોની યોજના અંગે વાંચીને નિરાશ થયાં છે અને તેમને વડાપ્રધાન પર સંપૂર્ણ વિશ્વાસ છે. મેરી એનજી ટ્રુડો સાથે લાઓસથી કેનેડા પાછાં આવી રહ્યાં હતા ત્યારે તેમણે આ નિવેદન
કર્યું હતું.