ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના ડુંગરની પરિક્રમા અને ધર્મસભા યોજાશે

March 19, 2023

ચોટીલા શહેરમાં માં ચામુંડાના બેસણા છે. દર પુનમ ઉપરાંત સમગ્ર વર્ષ દરમીયાન લાખો માઈભકતો માતાના ચરણે શીશ ઝુકાવવા આવે છે. ત્યારે આરએસએસની ધર્મ જાગરણ સમન્વય સમીતી દ્વારા તા. 26 માર્ચના રોજ ચોટીલા ડુંગરની પરીક્રમા અને ધર્મસભા તથા સંત સંમેલનનું આયોજન કરાયુ છે.

કાર્યક્રમમાં રાજયની તમામ ગુરૂગાદીઓના ધર્મગુરૂઓને આમંત્રીત કરાયા છે. જેમાં તા. 26મીએ સવારે સંતો દ્વારા ધ્વજ અર્પણ કર્યા બાદ ડુંગરની પરીક્રમા યોજાશે. જયારે ત્યારબાદ ધર્મસભા અને સંત સંમેલનનું આયોજન કરાયુ છે.

આ પ્રસંગે હાસ્ય કલાકાર માયાભાઈ આહીર સહીત સંતો-મહંતો, રાજકીય આગેવાનો મોટીસંખ્યામાં ચોટીલા ચામુંડા માતાજી ડુંગર તળેટીમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થીત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રાંત સંયોજક દેવેન્દ્ર દવે, પરીક્રમા સમીતીના સંયોજક જયેશ સાપરા અને પરીક્રમા સમીતીના સહ સંયોજક સંદીપભાઈ શાહ સહીતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે.