જજિસના સગાંને HCમાં જજ તરીકે ન નિમવા SCની વિચારણા

December 31, 2024

સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા હાઇકોર્ટનાં ન્યાયાધીશોના નિકટના સગાંઓની જજ તરીકે નિયુક્તિ નહીં કરવા વિચારાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે એક વરિષ્ઠ જજ દ્વારા આ દરખાસ્ત કરાઈ છે જેનો અમલ કરાશે તો જજિસની નિયુક્તિમાં વધુ સમાવેશિતા દાખલ કરી શકાશે અને જજોની નિયુક્તિમાં યોગ્યતા કરતા વંશીય પ્રેફરન્સ આપવાનું બંધ કરી શકાશે.

સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા એવા ઉમેદવારોની ભલામણ નહીં કરવા નિર્દેશ કરાયો છે જેનાં માતા પિતા કે નજીકના સગાઓ સુપ્રીમ કોર્ટમાં કે હાઇકોર્ટના વર્તમાન કે પૂર્વ જજ રહ્યા હોય. જો કે આ દરખાસ્ત કોઈ યોગ્ય ધરાવતા ઉમેદવારોને અયોગ્ય ઠરાવી શકે છે. એવું માનવામાં આવે છે કે પહેલી પેઢીના વકીલોને જજ તરીકે કામ કરવાની નવી તક મળશે. કોર્ટોમાં વિવિધ સમુદાયનું પ્રતિનિધિત્વ વધશે.

ત્રણ સભ્યોના કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જજિસ બી.આર. ગવાઈ તેમજ જજિસ સૂર્યકાંત સામેલ છે. સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોના કોલેજિયમમાં જજ ઋષિકેશ રોય અને જજ અભય એસ. ઓકાનો સમાવેશ થાય છે.આ કોલેજિયમ દ્વારા હાઇકોર્ટનાં જજિસની નિયુક્તિનાં નામની ભલામણ કરાય છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા હમણા હાઇકોર્ટમાં જજોના પ્રમોશન માટે વકીલો અને અધિકારીઓ સાથે વ્યક્તિગત વાતચીત શરૂ કરવામાં આવી છે.