ગાઢ ધુમ્મસ, હાડ થીજાવતી ઠંડી,17 રાજ્યમાં શીતલહેરની IMDની આગાહી

January 01, 2025

નવા વર્ષની શરૂઆત કડકડતી ઠંડી સાથે થઈ છે. ગઈકાલે 31 ડિસેમ્બર 2024ના રોજ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાને કારણે ગુલમર્ગનું તાપમાન માઈનસ 11.5 પર પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન હિમવર્ષાની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના લગભગ 50 જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. હરિયાણાનું નારનૌલ શહેર 4.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું રહ્યું હતું.

પંજાબના ભટિંડામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના શ્રીગંગાનગર અને બિકાનેરમાં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી હતું. આ અઠવાડિયે ત્રણેય પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર પ્રવર્તી શકે છે. દિલ્હી-એનસીઆરમાં પણ સવારે આછું ધુમ્મસ જોવા મળ્યું હતું, જ્યારે શીત લહેરના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો.

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, પશ્ચિમી વિક્ષેપ પૂર્વી અફઘાનિસ્તાન ઉપર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં સક્રિય છે. નવી પશ્ચિમી વિક્ષેપ 4 જાન્યુઆરીથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. તેની અસરને કારણે 1 જાન્યુઆરીથી 3 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવો છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 4 થી 6 જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.