કાસગંજ ચંદન ગુપ્તા હત્યાકાંડમાં NIA કોર્ટનો ચુકાદો, 28 દોષિતોને જન્મટીપની સજા ફટકારી

January 03, 2025

કાસગંજ : ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ નીકાળવામાં આવેલી તિરંગા યાત્રા દરમિયાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં લખનૌની NIA કોર્ટે તમામ 28 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે, અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે 2 જાન્યુઆરી, ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે પુરાવાના અભાવે કોર્ટે બે આરોપી નસીરુદ્દીન અને અસીમ કુરેશીને નિર્દોષ છોડી મુક્યા હતા. ચંદન ગુપ્તાના પિતાએ લાંબી કાનૂની લડાઈ લડી છે.


ગુરુવારે વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ કહ્યું હતું કે, 3 જાન્યુઆરીએ સજાનું એલાન કરવામાં આવશે. આરોપીઓને હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો અને ત્રિરંગાનું અપમાન કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ચંદન ગુપ્તાના મોત બાદ વિસ્તારમાં ફાટી નીકળેલા રમખાણો બાદ આ મામલો ચર્ચામાં હતો.

26 જાન્યુઆરી 2018ની સવારે ચંદન ગુપ્તા અને તેમના ભાઈ વિવેક ગુપ્તાએ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સરકારી વકીલે કહ્યું કે, જ્યારે આ તિરંગા યાત્રા તહેસીલ રોડ પર ગવર્નમેન્ટ ગર્લ્સ ઈન્ટર કોલેજના ગેટ પાસે પહોંચ્યું ત્યારે સલીમ, વસીમ અને નસીમ સહિતના એક જૂથે કથિત રીતે તેમનો રસ્તો રોકી દીધો અને તિરંગા યાત્રાને આગળ વધવા ન દીધી. વકીલે કહ્યું કે, જ્યારે ચંદને વાંધો ઉઠાવ્યો તો સ્થિતિ વણસી ગઈ હતી. અને થોડી જ વારમાં આરોપી દ્વારા પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો.