અમરેલી લેટરકાંડ: પીડિત પાટીદાર દીકરીને સહકારી બૅન્કમાં નોકરીની ઑફર, AJMS બૅન્કનો નિર્ણય

January 03, 2025

અમરેલી : અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું. ત્યારથી આ વિવાદ વકર્યો હતો. ગુજરાતના પાટીદારોએ આ વાતનો વિરોધ નોંધાવી પાયલને ન્યાય આપવાની માંગ કરી હતી. શુક્રવારે સેસન્સ કોર્ટ દ્વારા પાયલને 15 હજારના બૉન્ડ પર જામીન પણ આપી દીધા છે. આ સિવાય અમરેલીની મધ્યસ્થ સહકારી બૅન્ક તરફથી પાયલને કાયમી નોકરીની પણ ઑફર આપવામાં આવી છે. પાયલને જામીન મળ્યા બાદ અમરેલી જિલ્લા મધ્યસ્થ સરકારી બૅન્કના આગેવાન દિલીપ સંઘાણીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. સહકારી બૅન્કના ચેરમેન દિલીપ સંઘાણીએ શુક્રવારે(3 જાન્યુઆરી) યોજાયેલી બોર્ડ મિટિંગમાં પાયલને બૅન્કમાં નોકરી આપવાનો નિર્ણય લીધો છે. મિટિંગમાં જેલમુક્તિ બાદ પીડિત દીકરી ઇચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કમાં કાયમી નોકરી આપવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ચેરમેન સંઘાણી દ્વારા પણ આ ઠરાવને વધાવવામાં આવ્યો અને પીડિતા ફરી સન્માન પૂર્વક જીવન જીવી શકે તે માટે તેને આત્મ નિર્ભર બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.