18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી

January 04, 2025

નવી દિલ્હી : વ્યક્તિને દુનિયાના કોઈપણ ખૂણા સાથે જોડતું સોશિયલ મીડિયા એક સમયે આશિર્વાદરૂપ હતું, પરંતુ હવે વિશેષરૂપે બાળકો પર તેની વિપરિત અસરો સામે આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રુલ્સ તૈયાર કરી રહી છે, જેનો મુસદ્દો શુક્રવારે જાહેર કરાયો છે, જે મુજબ ૧૮ વર્ષથી નાના બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતા-પિતાની મંજૂરી લેવી પડશે. ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ ૨૦૨૩ સંસદમાં મંજૂર થયાના ૧૪ મહિના પછી સરકારે હવે તેનો મુસદ્દો ઘડી કાઢ્યો છે. એક સમયે લોકો માટે આશિર્વાદરૂપ સોશિયલ મીડિયા પર હવે પ્રતિબંધ મૂકવાની માગો ઊઠી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. સરકારે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રુલ્સનો મુસદ્દો શુક્રવારે જાહેર કર્યો છે, જેમાં ૧૮ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવાઈ છે, પરંતુ નિયમોના ભંગ બદલ કોઈ દંડાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો નથી.ડીપીડીપી બિલના મુસદ્દામાં જણાવાયું છે કે ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ કાયદા, ૨૦૨૩ (૨૦૨૩ની ૨૨)ની કલમ ૪૦ની પેટા કલમો (૧) અને (૨) તરફથી અપાયેલી શક્તિઓનો ઉપયોગ કરતા કેન્દ્ર સરકાર તરફથી કાયદો લાગુ થવાની તારીખથી અથવા ત્યાર પછી બનાવાનારા સૂચિત નિયમોના મુસદ્દા, તેનાથી પ્રભાવિત થનારી બધી જ વ્યક્તિઓની માહિતી માટે પ્રકાશિત કરવામાં આવે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે જાહેરનામુ બહાર પાડી જનતાને આ બિલના મુસદ્દાના નિયમો પર તેમના વાંધા અને સૂચનો આપવા જણાવાયું છે. જનતા તરફથી મળેલા ફીડબેક પર સરકાર ૧૮ ફેબ્રુઆરી પછી વિચારણા કરશે. આ મુસદ્દાના નિયમ કાયદા સંરક્ષકતા હેઠળ બાળકો અને દિવ્યાંગોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે આકરા ઉપાયો પર ભાર મૂકે છે.
મુસદ્દા મુજબ વ્યક્તિગત ડેટા સંભાળવાની જવાબદારી લેતી સંસ્થાઓ ડેટા ફિડયુશરીઝે સગીરોના ડેટા લેતા પહેલાં બાળકોના માતા-પિતાની મંજૂરી મેળવવી પડશે. સહમતિની પુષ્ટી માટે ફિડયુશરીઝે સરકારી ઓળખ પત્ર અથવા ડિજિટલ ઓળખ ટોકનનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, શૈક્ષણિક સંસ્થાઓ અને બાલ કલ્યાણ સંગઠનોને આ નિયમોની કેટલીક જોગવાઈઓમાંથી છૂટ અપાઈ છે. બાળકોના ડેટા પર વિશેષ ધ્યાન આપવા ઉપરાંત મુસદ્દાના નિયમોમાં ગ્રાહકોના અધિકારોને પણ મજબૂત કરાયા છે. વપરાશકાર તેના ડેટાને હટાવવા અને કંપનીઓ પાસેથી આ ડેટા કેમ મગાય છે અને કેવી રીતે એકત્રીત કરાઈ રહ્યો છે તે અંગે પારદર્શિતા માગવાનો અધિકાર ધરાવશે. પર્સનલ ડેટાના ભંગની સ્થિતિમાં કંપનીઓને રૂ. ૨૫૦ કરોડ સુધીના દંડની જોગવાઈ કરાઈ છે, તેનાથી ડેટા ફિડયુશરીઝની જવાબદારી સુનિશ્ચિત થશે. ગ્રાહક ડેટા સંગ્રહની પ્રક્રિયાઓને પડકારવા અને ડેટા ઉપયોગ માટે સ્પષ્ટીકરણ માગવાનો અધિકાર પણ ધરાવશે.