આસારામની તબિયત બગડી, જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

January 04, 2025

પોતાના જ ગુરુકુળની વિદ્યાર્થિની સાથે યૌન શોષણના કેસમાં છેલ્લા શ્વાસ સુધી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની તબિયત બગડતા તેને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીના હેલ્થ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આસારામના હૃદયના ધબકારા વધવાને કારણે અસ્વસ્થતા અનુભવાઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આસારામના આવવાની જાણકારી મળતા જ તેમના અનુયાયીઓ ત્યાં પહોંચ્યા હતા. જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આસારામ બે દિવસ પહેલા પુણેથી સારવાર કરાવીને પરત ફર્યા હતા.

ACP છવી શર્માએ જણાવ્યું કે આસારામને પોલીસ સુરક્ષા હેઠળ મેડિકલ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આસારામને છાતીમાં દુખાવાને કારણે અસ્વસ્થતા અનુભવાયા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરતાની સાથે જ આસારામના ભક્તો પણ તેમને બાપુના નામથી સંબોધતા જોવા મળ્યા હતા, જેને રોકવા માટે પોલીસે બેરિકેડ લગાવી દીધા હતા.