અમરેલી લેટર કાંડ : જામીન મળ્યા બાદ પાયલ ગોટી થઈ જેલ મુક્ત, બહાર આવી કહ્યું, 'સત્યમેવ જયતે'

January 03, 2025

અમરેલી : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને આજે(3 જાન્યુઆરી 2025)ના રોજ જામીન મળ્યા છે. ત્યારબાદ હવે પાયલ ગોટી જેલ મુક્ત થઈ છે. જેલ બહાર આવતાની સાથે જ પાયલે કહ્યું, 'સત્યમેવ જયતે'. જેલમુક્ત થયા બાદ પાયલ ગોટી પોતાના ગામ વીઠલપુર પહોંચી હતી. જ્યાં ગ્રામજનોએ તેમનું ઢોલ-નગારા સાથે સામૈયું કર્યું. 


પાયલ ગોટી જેલમાંથી બહાર આવતા રડી પડી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પાયલના માતા-પિતાની આખો ભીની થઈ. પાયલ પરિવારજનોને ભેટી પડી હતી. જો કે, જેલમાંથી છૂટકારા બાદ પાયલની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાનું જોવા મળ્યું છે. તેમણે મીડિયા સામે વધુ કંઈ બોલવાની સ્થિતિમાં નહી હોવાનું જણાવ્યું હતું. પાયલને જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, 'આપ સૌના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી જે સપોર્ટ મળ્યો છે, તેના માટે ગુજરાતની પ્રજાનો આભાર માનું છું. આપ સૌએ સરકાર પર દબાણ ઉભું કર્યું. હાલ, પાયલને જામીન મળી ચૂક્યા છે.'