ઓનલાઈન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ, 3 લોકોની ધરપકડ, 20 લાખ રોકડ જપ્ત

January 04, 2025

સેન્ટ્રલ દિલ્હીની ટીમને મોતિયા ખાન વિસ્તારમાં એલઆઈજી ફ્લેટમાં ગેરકાયદે સટ્ટાબાજીના રેકેટની માહિતી મળી હતી. પોલીસે માહિતીના આધારે દરોડો પાડ્યો અને સટ્ટાબાજીના રેકેટના માસ્ટરમાઈન્ડ રોહિત મહાજનની ધરપકડ કરી છે. રોહિત અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલો છે.

તેની સાથે નાગેશ ભસીન અને ફ્લેટ માલિક રાજીવ ચોપરાની પણ અટકાયત કરવામાં આવી છે. સેન્ટ્રલ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) એમ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન ટીમે સટ્ટાબાજી માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને સોફ્ટવેર જપ્ત કર્યા હતા. આ સાથે ક્રિકેટ મેચના લાઈવ સ્ટ્રીમિંગ માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ મળી આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી સટ્ટાબાજીમાં વપરાતા 6 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 1 ટેબલેટ અને અન્ય સાધનો પણ કબજે કર્યા છે. ડીસીપી વર્ધને કહ્યું, 'આરોપીઓ પાસેથી કુલ 19.98 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે, કેસની તપાસ હજુ ચાલુ છે અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની શોધ કરવામાં આવી રહી છે.'

પોલીસનું કહેવું છે કે રોહિત મહાજન આ રેકેટનો મુખ્ય આરોપી છે અને આ પહેલા પણ તે સટ્ટાબાજીના ઘણા કેસમાં સંડોવાયેલો છે. પોલીસને આશંકા છે કે આ રેકેટના તાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા હોઈ શકે છે. આ કિસ્સો ફરી એકવાર દિલ્હીમાં વધી રહેલા ઓનલાઈન સટ્ટાબાજીના જોખમો પર પ્રકાશ પાડે છે. પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે.