જયપુરમાં ગેસ લીકેજની ઘટના, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

January 01, 2025

રાજસ્થાનની રાજધાની જયપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડ (CO2) ગેસ લીક ​થવાની ઘટના સામે આવી છે. આ લીકેજ વિશ્વકર્મા વિસ્તારના રોડ નંબર 18 પર થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અજમેરા ગેસ પ્લાન્ટમાંથી CO2 લીક થઈ રહ્યો છે. સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ફાયર બ્રિગેડને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યું છે. ગેસ લીક થવાના કારણે ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર દુર્ઘટના ટેન્કરનો વાલ્વ તૂટવાને કારણે બની છે. જેના કારણે પ્લાન્ટમાંથી કાર્બન ડાયોક્સાઈડ ગેસ લીક ​​થયો છે. વિશ્વકર્મા પોલીસ સ્ટેશને મુખ્ય વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ બંધ કરાવ્યું હતું. કાર્બન ડાયોક્સાઈડ ગેસના લીકેજને કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે ધીમે ધીમે વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

કાર્બન ડાયોક્સાઈડ ગેસ પ્લાન્ટમાં પાર્ક કરેલા ટેન્કરમાં લગભગ 20 ટન ગેસ ભરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે 4:00 વાગ્યાના સુમારે ટેન્કરનો વાલ્વ અચાનક ફાટી ગયો હતો, જેના કારણે ગેસ લીકેજ થયો હતો અને ગેસ 200થી 300 મીટર સુધી વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરીને ગેસનું લેવલ દૂર કર્યું હતું અને પ્લાન્ટનો મુખ્ય વાલ્વ બંધ કરીને લીકેજ બંધ કરાવ્યું હતું. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને અકસ્માતમાં કોઈ જાનહાનિની થવાની જાણકારી મળી નથી.