શેરબજારમાં નવા વર્ષનો શુભારંભ, સળંગ બીજા દિવસે તેજી, 262 શેર્સમાં અપર સર્કિટ

January 02, 2025

શેરબજાર નવા વર્ષ 2025ના સળંગ બીજા દિવસે આકર્ષક તેજી સાથે સુધર્યા છે. સેન્સેક્સ આજે વધુ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 24000 તરફ આગેકૂચ કરી રહ્યો છે. આઈટી અને ઓટો શેર્સમાં તેજી સાથે એકંદરે માર્કેટ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે સેન્સેક્સ 368.40 પોઈન્ટ વધી 78507.41 અને નિફટી 50 સ્પોટ 98.10 પોઈન્ટ વધીને 23742.90 પર બંધ રહ્યો હતો.

11.20 વાગ્યે સેન્સેક્સ 656.09 પોઈન્ટ અને નિફ્ટી 199.75 પોઈન્ટ ઉછળી 23942.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે 262 શેર્સમાં અપર સર્કિટ અને 139 શેર્સ 52 વીક હાઈ થયા હતા. માર્કેટ બ્રેડ્થ પણ પોઝિટિવ જોવા મળી છે. 3899 શેર્સ પૈકી 2188 શેર્સ સુધારા તરફી અને 1560 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારોની મૂડી રૂ. 2 લાખ કરોડથી વધી છે.

વૈશ્વિક સ્તરે પડકારો હળવા થતાં તેમજ ડોલર ઈન્ડેક્સની મજબૂતીના કારણે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી છે. બીએસઈ આઈટી ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 56 સ્ક્રિપ્સ પૈકી 40માં 10 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. આ સાથે ઈન્ડેક્સ 1.40 ટકા ઉછાળે અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.36 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. ડિસેમ્બરમાં ઓવરઓલ ઓટો સેલ્સ ચાર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીને વેગ આપવા સુધારા થવાના આશાવાદ સાથે વેલ્યૂબાઈંગ જોવા મળ્યુ છે. ઓટો ઈન્ડેક્સ આજે 1.60 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.