નવા વર્ષના પ્રથમ દિવસે અયોધ્યા, મથુરા, કાશીમાં ભક્તોનું ઘોડાપૂર

January 01, 2025

નવા વર્ષના પ્રથમ દિવસે અયોધ્યા, મથુરા અને કાશીમાં ભક્તોની ભારે ભીડ જામી છે. અયોધ્યા અને કાશીમાં સવારથી મંગળા આરતીની સાથે પૂજા કરવામાં આવી છે. મથુરામાં પણ બિહારી જીના મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. ભક્તો બાંકે બિહારી જીના મંદિરના કપાટ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા વહેલી સવારથી નવા વર્ષે નવા સંકલ્પ સાથે કાનપુર અને લખનૌ સહિત ઘણા જિલ્લાઓમાં, લોકો તેમના પરિવાર સાથે મંદિરોમાં દર્શન અને પૂજા માટે પહોંચી રહ્યા છે.

અયોધ્યાના મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. રામલલાની મંગળા આરતી સાથે પૂજાની પ્રક્રિયા શરૂ થઈ છે. સર્વત્ર જયશ્રી રામના નારા સંભળાઈ રહ્યા છે. પોલીસે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે. સાથે જ અનેક માર્ગો પર વાહનોની નો એન્ટ્રી કરવામાં આવી છે. રામપથથી અયોધ્યા ધામ તરફ આવતી કોમર્શિયલ વાહનો/ઓટો, ઈ-રિક્ષાના પ્રવેશ પર ઉદયા ઈન્ટરસેક્શનથી પ્રતિબંધ રહેશે. વાહનોના પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

લાખો ભક્તો કાશી પહોંચ્યા છે. સવારથી જ ઘાટ પર સ્નાન અને દાનની સાથે બાબા વિશ્વનાથની પૂજા સાથે કાશીના મંદિરોમાં જયઘોષ ગુંજી રહ્યો છે. સંકટ મોચન, બડા ગણેશ, કાલ ભૈરવ, દુર્ગા મંદિર સહિત મોટાભાગના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પહોંચી છે. એક અંદાજ મુજબ આ વખતે 1 જાન્યુઆરીએ લગભગ 5 થી 7 લાખ લોકો બાબા વિશ્વનાથના દર્શન કરશે. ભક્તોની ભારે ભીડને કારણે અહીંની હોટલો અને લોજ ભરાઈ ગયા છે.

બિહારી જીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચ્યા છે. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિરે પહોંચી છે. ભક્તો બિહારી જીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અહીં રાધારાણી, ગિરિરાજ જી, ગોકુલ, પ્રેમ મંદિર અને ઇસ્કોન મંદિરમાં દર્શન અને પૂજા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તો મથુરામાં પરિવાર માટે પ્રાર્થના કરશે. પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.