લખનઉમાં પુત્રએ માતા અને 4 બહેનોની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

January 01, 2025

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં પુત્રએ માતા અને ચાર બહેનોની હત્યા કરી હતી. પરિવાર અહીં નવા વર્ષની ઉજવણી કરવા આવ્યો હતો. આ દરમિયાન પુત્રએ રાત્રે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. માહિતી આપતા ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે આરોપી અરશદ 24 વર્ષનો છે. પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

લખનઉ સામૂહિક હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ગરદન અને કાંડા પર ઈજાના નિશાન છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાંચેય લોકોને તેમના ભોજનમાં નશીલા પદાર્થ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના હાથની નસો કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. કૌટુંબિક ઝઘડાના કારણે પુત્રએ આ કૃત્ય આચર્યું હોવાની આશંકા છે. હાલ પોલીસ વધુ કહેવાનું ટાળી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ બધું સ્પષ્ટ થશે. હાલ આરોપી પુત્રની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવાર આગ્રાથી આવ્યો હતો અને 30 ડિસેમ્બરથી લખનૌની હોટેલ શરણજીતના રૂમ નંબર 109માં રહેતો હતો. કુલ સાત લોકો રોકાયા હતા જેમાંથી માતા અને ચાર પુત્રીઓની હત્યા કરવામાં આવી હતી. આ આરોપ પુત્ર પર છે, જેનું નામ અરશદ છે. પોલીસ પૂછપરછ દરમિયાન અરશદ એટલું જ કહી રહ્યો છે કે આ અમારો પારિવારિક મામલો છે. તે ફક્ત એક જ લીટીનું વારંવાર પુનરાવર્તન કરી રહ્યો છે કે 'મને ખબર છે કે આ લોકો શું કરે છે...'