જલગાંવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ આગચંપી, કર્ફ્યૂ જેવી સ્થિતિ

January 01, 2025

મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે. અહીં શિવસેના મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહન દ્વારા હોર્ન વગાડવાને લઈને બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાલધી ગામમાં મંગળવારે રાત્રે પથ્થરમારો અને આગચંપીની ઘટના બની હતી. મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહનના ડ્રાઈવરે હોર્ન વગાડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા બંને જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતો.

હોર્ન વગાડતાં ગ્રામજનો અને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હંગામો વધી ગયો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. થોડી વારમાં જ  પરિસ્થિતિ કાબૂની બહાર જતી રહી અને દુકાનો તથા વાહનોને આગ ચાંપવામાં આવી હતી.

ફાયરિંગ પણ થયુ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લગભગ 25 લોકો સામે કેસ નોંધ્યો છે અને લગભગ 10 લોકોની અટકાયત કરી છે. હાલ જલગાંવમાં આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. હાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. .