ધોની સાથે 10 વર્ષ સુધી વાત ન કરી, હરભજને પહેલીવાર માહી સાથેના સંબંધો પર તોડ્યું મૌન

December 04, 2024

ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહની ગણતરી વર્લ્ડ ક્રિકેટના શ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. હરભજન એક સમયે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવતો હતો, જેમાં એમએસ ધોનીની કેપ્ટન્શીપમાં પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી, તે સમયે હરભજન પણ ટીમનો હિસ્સો હતો. બીજી તરફ ત્યારબાદ વર્ષ 2011માં ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપમાં પણ ધોનીની કેપ્ટનશીપમાં હરભજન સિંહને રમવાની તક મળી હતી. જો કે, ત્યારબાદ હરભજનના કરિયરનો ગ્રાફ નીચે જતો દેખાયો અને પછી તે મોટાભાગે IPLમાં જ રમતો જોવા મળ્યો. હવે હરભજને પોતાના તાજેતરના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે, જેમાં તેણે એ ખુલાસો કર્યો  કે, હું ધોની સાથે વધુ વાત નથી કરતો અને ફોન પર વાત કર્યાને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આમ, હરભજને પહેલીવાર માહી સાથેના પોતાના સંબધો પર મૌન તોડ્યું છે. હરભજન સિંહને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે ધોની સાથે વાત થાય છે કે નહીં? તો ભજ્જીએ જવાબ આપ્યો કે ના, હું ધોની સાથે વાત નથી કરતો. જ્યારે હું IPLમાં CSK માટે રમતો હતો તે સમયે તેની સાથે વાત થતી હતી પરંતુ ફોન પર વાત નથી થતી, જ્યારે અમે મળીએ ત્યારે જ વાત થાય છે. અમે ફોન પર વાત કર્યાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. મારી પાસે આ માટે કોઈ કારણ નથી, પરંતુ કદાચ ધોની પાસે કોઈ કારણ હશે. જો કે તેની પાસે પણ કોઈ કારણ હોત તો તે જણાવ્યું હોત. જ્યારે હું ચેન્નાઈ સુપર કિંગ્સમાં હતો ત્યારે પણ મારી ધોની સાથે ઓછી જ વાત થતી હતી.