દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દાર્જિલિંગમાં શસ્ત્ર પૂજા કરી

October 12, 2024

દાર્જિલિંગ  : દેશભરમાં આજે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજા કરવામાં આવે છે, તેથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરવા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહોંચ્યા હતા. સુકના કેન્ટમાં રક્ષા મંત્રીએ પહેલા શસ્ત્રોનું પૂજન કર્યું હતું. બાદમાં ત્યાં હાજર સૈનિકોને તિલક લગાવ્યુ હતું.

આ દરમિયાન રાજનાથ સિંહે સંબોધન કરતા કહ્યું- શસ્ત્રોની પૂજા એ હકીકતનું પ્રતિક છે કે જ્યારે જરૂર પડે ત્યારે શસ્ત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે.

રક્ષામંત્રીની મહત્વની વાત...

અમે પહેલા ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી. અમારે કોઈની સાથે દુશ્મની નથી. અમે યુદ્ધ ત્યારે જ લડ્યા જ્યારે કોઈપણ દેશ અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું અપમાન કર્યુ છે. જ્યારે કોઈ દેશે ધર્મ, સત્ય અને માનવીય મૂલ્યોનું અપમાન કર્યું છે.

સરહદો પર સેનાની હાજરીને કારણે કોઈ ઘટના બનવાની શક્યતા નથી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તેને અવગણી શકાય નહીં. દુનિયામાં ગમે તે થાય, તૈયારીઓમાં કોઈ કમી ન હોવી જોઈએ.
કોલકાતા, મૈસૂર, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સાંજ સુધીમાં રાવણ દહન થશે. દુર્ગા પંડાલમાં રાખવામાં આવેલી દેવીની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવશે.