અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરનો અંત આવશે! બંને દેશોએ આપ્યા સંકેત

October 27, 2025

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર વિવાદો હવે ઉકેલાઈ રહ્યા છે. ચર્ચા છે કે, બંને દેશો વચ્ચે વધી રહેલો વેપાર તણાવ ઘટાડવા ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ આ મહિનાના અંત સુધી વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપી શકે છે. ત્યારબાદ ટેરિફ વિવાદથી માંડી સોયાબિન એક્સપોર્ટ અને રેર અર્થ મિનરલ્સના પ્રતિબંધો દૂર થઈ શકે છે. ભારત-યુએસ વચ્ચે પણ ઝડપથી ડીલ થઈ શકે છે. જો આ ડીલ થઈ તો શેરબજારમાં આકર્ષક તેજી આવી શકે છે.

અમેરિકા અને ચીન બંને દેશોના ટોપ ટ્રેડ અધિકારીઓએ રવિવારે મલેશિયાના કુઆલાલંપુરમાં બેઠક કરી હતી. જેમાં ફેન્ટેનાઈલ અને શિપિંગ ચાર્જથી માંડી સોયાબિન નિકાસ અને દુર્લભ ખનિજોના પ્રતિબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને સકારાત્મક સંકેત મળ્યા હતાં. 

અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, ચાઈનીઝ પ્રોડક્ટ્સ પર ટ્રમ્પના પ્રસ્તાવિત 100 ટકા ટેરિફનું જોખમ સંપૂર્ણપણે દૂર થયુ છે. બદલામાં ચીન દ્વારા સોયાબિનની મોટાપાયે ખરીદી ફરીથી શરૂ કરવા અને દુર્લભ ખનિજોના નિકાસ પ્રતિબંધો ઓછામાં ઓછા એક વર્ષ માટે ટાળવાની અપેક્ષા છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે, અમે ચીન સાથે વાટાઘાટ મામલે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટ્રમ્પે પણ આસિયાન શિખર સંમેલનમાં અપેક્ષા વ્યક્ત કરી હતી કે, ચીન સાથે સમાધાનની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

ડીલના સંકેત લાંબા સમય સુધી ચાલી રહેલા ટ્રેડ વૉર બાદ મળ્યા છે. હાલમાં જ ચીને દુર્લભ ખનિજોની નિકાસ પર કડક વલણ લેતાં પ્રતિબંધો મૂક્યા હતાં. ત્યારબાદ ટ્રમ્પે 100 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. જે નવેમ્બરથી લાગુ થવાનો હતો. પરંતુ હવે બંને દેશો વચ્ચે થઈ રહેલી વાટાઘાટો ટ્રેડ વૉરના અંતનો સંકેત આપે છે. બંને વચ્ચે સમાધાન ગુરૂવારના ટ્રમ્પ-શી શિખર સંમેલનમાં નિર્ધારિત થયુ તો ટિકટોકના વેચાણ સંબંધિત વિવાદ અને પોર્ટ ચાર્જના મુદ્દા ઉકેલાઈ જશે. બંને મુદ્દા ટ્રેડવૉરના કેન્દ્રમાં છે.