તમિલનાડુમાં ચૂંટણી પંચના અધિકારીઓએ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ હાથ ધરતાં તર્કવિતર્ક

April 15, 2024

તમિલનાડુના નીલગીરીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરી છે. પોતાના મત વિસ્તાર વાયનાડ જતા પહેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ અનેક શંકા-કુશંકા ઉપજાવે છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાહુલ પોતાના મત વિસ્તાર વાયનાડ જઈ રહ્યા હતા, ત્યાં તેઓ જાહેર રેલીઓ સહિત અનેક ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાના છે. રાહુલ ગાંધીએ તમિલનાડુના સરહદી વિસ્તાર નીલગીરી જિલ્લામાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ કેરળના સુલતાન બાથેરી પહોંચવા માટે રોડ માર્ગથી યાત્રા કરી હતી. રાહુલ ગંધીના રોડ શોમાં ભાગ લેવા માટે સેંકડો લોકો આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં વાયનાડ મતવિસ્તારમાં રાહુલ ગાંધીનો મુકાબલો સીપીઆઈ નેતા એની રાજા અને ભાજપના ઉમેદવાર સુરેન્દ્રન સાથે થશે. લોકસભા ચૂંટણી 2019માં રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. અમેઠીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તેમને 55,120 વોટથી હરાવ્યા હતા. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીને જીત મળી હતી. કોંગ્રેસે આ વખતે ફરી રાહુલ ગાંધીને વાયનાડથી ઉમેદવાર બનાવ્યા છે.