તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : અત્યાર સુધી 23નાં મોત, અનેક ઘાયલ

April 20, 2026

વિરુધુનગર: તમિલનાડુનાં વિરુધુનગર જિલ્લામાં આવેલ એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોેટ થવાને કારણે મોટી દુર્ઘટના બની હતી જેમાં ૨૩ લોકોનાં મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની શક્યતા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ આંશકા છે. તેઓને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોેનાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે રવિવારે ફેક્ટરી બંધ રહેતી હોવા છતાં આજે કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવા માટે ચાર વિશેષ ટીમોની રચના કરાઈ અને પોેલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નિયમોનો ભંગ કરી રવિવારે પણ ફેક્ટરી ચાલુ રાખવામાં આવી હતી. આગનાં કારણો જાણવા માટે વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલ એક ફટાકડાનાં યુનિટમાં થયો હતો.  

દુર્ઘટના પછી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.  પોલીસ અને રાહત ટીમો કાટમાળને દૂર કરવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંદી કરી લીધી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિસ્ફોટ કટ્ટાનારપટ્ટીમાં મુથુમાનિકમનાં માલિકી હકવાળી વનજા ફટાકડા ફેક્ટરીમાં થયો હતો. આ જગ્યા વાચકારાપટ્ટી પોલીસ સ્ટેશનની સરહદની અંદર આવે છે.