ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

September 28, 2026

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે વેચવાલી જોવા મળી હતી. સવારે 11 વાગ્યા સુધી સેન્સેક્સ 1000 પોઇન્ટ એટલે કે 1.30 ટકાથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 300થી વધુ પોઇન્ટ ઘટીને 22900ની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં આવેલા કડાકાને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

બજાર પર ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર જોવા મળી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અનિશ્ચિતતા વધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવેમ્બરના મધ્યસત્ર ચૂંટણી પહેલાં ફરી હુમલાની શક્યતાને ખુલ્લી રાખી છે. ટ્રમ્પે ઈરાનના સાત દિવસના યુદ્ધવિરામ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવાના પ્રસ્તાવને પણ નકારી દીધો હતો.

મિડલ ઈસ્ટમાં સંઘર્ષ લાંબો ચાલવાની અને તેલ સપ્લાયને અસર થવાની આશંકાથી કાચા તેલના ભાવ વધ્યા છે. બ્રેન્ટ ક્રૂડ આશરે 2 ટકા વધીને 107 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 94 ડૉલર નજીક પહોંચ્યું હતું. ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશ માટે મોંઘું ક્રૂડ ચિંતાજનક છે. બીજી તરફ, અમેરિકી 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ 5.2 ટકાથી ઉપર પહોંચતાં શેરબજાર પર વધુ દબાણ વધ્યું હતું.