ડુપ્લીકેટ ઘીનો વપરાશ થાય નહીં તે માટે રૃપાલમાં ફુડ તંત્ર ધામા નાંખશે

October 22, 2023

તહેવારોના દિવસોમાં અખાદ્ય પદાર્થનો ઉપયોગ કરતા વેપારીને પકડવા ખાસ ડ્રાઇવ ચલાવી દંડનીય કાર્યવાહી કરવા તાકિદ


ગાંધીનગર : અંબાજીમાં ડુપ્લીકેટ ઘીના વપરાશ અંગે પર્દાફાશ થયા બાદ રૃપાલની પલ્લી પર લાખ્ખો લીટર ઘીનો અભિષેક થવાનો છે તેમાં બનાવટી ઘીનો ઉપયોગ ન થાય તે માટે કલેક્ટરે ખાસ સુચના આપી છે. જેના પગલે ફુડ સેફ્ટી તંત્રને ચકાશણી માટે સુચના આપી છે. પલ્લીના દિવસે અહીં સેમ્પલ લઇને તેનું પરિક્ષણ કરવામાં આવશે જે માટે કલેક્ટર દ્વારા સુચના પણ આપવામાં આવી છે.


જિલ્લા નાગરિક પરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર હિતેશ કોયા દ્વારા આસો સુદ નોમના દિવસે ગાંધીનગરના રૃપાલ ગામે ભરાતાં વિશ્વ વિખ્યાત પલ્લીના મેળામાં ભેળસેળયુક્ત ઘીનું વેચાણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ અંગે ફૂડ સેફટી અધિકારીએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ૧૧ ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે તેમજ રૃપાલ ખાતે એક ફૂડ સેફટીનું ટેસ્ટીંગ વાહન પણ રાખવામાં આવશે. વધુમાં તેમણે આવનારા દિવાળીના તહેવારો સંદર્ભે જિલ્લામાં ગુણવત્તાસભર અને આયોગ્યપ્રદ મીઠાઇ, ફરસાણ અને ખાદ્ય વસ્તુઓ વેચાય તે માટે તંત્રને ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.


ઉપરાંત લોકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહે, સંગ્રહખોરી, નફાખોરી કે કાળા બજાર થાય નહિ તે માટે જિલ્લા તપાસણી એકમ દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવી રહી છે. સપ્ટેમ્બર  માસ દરમ્યાન કુલ ૯૭ વાજબી ભાવની દુકાનોની તેમજ બે ગોડાઉનો તથા પેટ્રોલપંપની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ રાંધણગેસનો અનધિકૃત ઉપયોગ અટકાવવા તપાસ હાથ ધરવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ  શિલ્પાબેન પટેલ,  માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પંડયા, મામલતદારો, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડ્રગ ઇન્સ્પેક્ટર તથા ફુડ સેફ્ટી ઓફિસર  તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.