સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર

October 08, 2025

સોના અને ચાંદીના ભાવમાં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ અનુસાર આજે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ એકઝાટકે 1858 રૂપિયા વધી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ એક જ દિવસમાં 2342 રૂપિયા વધીને દોઢ લાખને વટાવી ગયો હતો. ચાંદીનો એક કિલોનો આજનો ભાવ 150783 રૂપિયા બોલાયો હતો, જે એક રેકોર્ડ છે. 

સોનાના ભાવની વાત કરીએ તો આજે પ્રતિ 10 ગ્રામના 1858 રૂપિયાના વધારાના સાથે સોનાનો ભાવ 121799 ને આંબી ગયો હતો. જોકે અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 123220 રૂપિયાને આંબી જતાં ઈન્વેસ્ટરો ખુશખુશાલ દેખાયા હતા. જ્યારે 22 કેરેટના સોનાનો ભાવ 112950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તેની સામે 18 કેરેટનો 92430 અને 14 કેરેટનો 71850 ની આસપાસ પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.   ઉલ્લેખનીય છે કે અનેક નિષ્ણાતો સોનાનો ભાવ પણ ચાલુ વર્ષના અંત સુધીમાં દોઢ લાખને ક્રોસ કરે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે. 

માહિતી અનુસાર જો આંકડાની વાત કરીએ તો 2025 માં 10 મહિનાના ગાળામાં સોનાનો ભાવ 46000 રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે. જો તમને ખ્યાલ હોય તો 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 76000 રૂપિયાની આજુબાજુ હતો. જે હવે વધીને અમદાવાદમાં 123000ની આજુબાજુ પહોંચી ગયો છે. જ્યારે ચાંદીમાં એક વર્ષમાં પ્રતિ કિલોએ 65000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષના છેલ્લા દિવસે ચાંદીનો ભાવ કિલોએ 86000 ની આજુબાજુ હતો જે આજે દોઢ લાખને વટાવી જતા એક રેકોર્ડ સર્જાયો છે.