ગોવિંદાને પગમાં ગોળી વાગી:પોતાની જ રિવોલ્વરથી મિસફાયર

October 01, 2024

મુંબઈ  : બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે. તેને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગી હતી. આ ઘટના મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી.

દિવ્ય ભાસ્કરના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, 60 વર્ષીય અભિનેતા ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસ ફાયરિંગને કારણે ગોળી વાગી હતી. મુંબઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેની રિવોલ્વર કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી પરમજીત સિંહ દહિયાએ કહ્યું છે કે જે બંદૂકમાંથી ગોળી ચલાવવામાં આવી હતી તે લાઇસન્સવાળી છે. ડીસીપી ટૂંક સમયમાં આ મામલે સત્તાવાર નિવેદન આપશે.

ગોળી વાગવાને કારણે તેના પગમાં ખૂબ લોહી વહી ગયું હતું, જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. હાલ તેને સારવાર માટે અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક સારવાર બાદ ગોવિંદા હવે ખતરાની બહાર છે. તેમની પત્ની સુનીતા હાલમાં તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે.