'ઓછું ભણેલો છું પણ કોઈ પણ મુદ્દે ચર્ચા કરી શકું',- ઈટાલિયા

September 28, 2024

જાહેરમાં ચર્ચા કરવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેલેન્જ આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી છે.  ઈટાલિયાએ કહ્યું છે કે, 'ગૃહમંત્રીએ આપેલી ચેલેન્જનો હું ગોપાલ ઈટાલીયા સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ, સમય અને સ્થળની જાણ કરે એવી માંગણી કરું છું.' જેનો પત્ર ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.


પત્રમાં ઈટાલિયાએ લખ્યું છે કે, "ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છો ત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર તમારા ભણતરને લઈને 'આઠ પાસ મંત્રી' જેવો આરોપ મૂકાઈ રહ્યો છે.  તાજેતરમાં ખાનગી ન્યૂઝ ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં તમને સવાલ પૂછવામાં આવ્યો કે, તમે ઓછું ભણેલા આઠ પાસ મંત્રી છો એવા આરોપો અંગે શું કહેશો? જેના જવાબમાં તમે જણાવ્યું હતું કે, 'હું (હર્ષ સંઘવી) ભલે ઓછું ભણેલ છું પરંતુ રોજ નવું નવું શીખું છું. આઈએએસ અધિકારી પાસેથી હું શીખું છું.' આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ પરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહેલ કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ પર કોઈપણ વિષય અંગે ચર્ચા કરવા માટે ચેલેન્જ આપું છું."