હું હવે તેમને ક્યારેય હસતાં નહીં જોઈ શકું...'શાંતનુએ કરી ભાવુક પોસ્ટ

October 13, 2024

મુંબઇ : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી આખો દેશ શોકમાં છે. તેમના નિધનના ત્રણ દિવસ બાદ તેમના સૌથી વધુ વિશ્વસનીય અને યુવા મિત્ર શાંતનુ નાયડૂએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી ફરી લોકોને દિગ્ગજ મહાનુભાવને યાદ કરાવ્યા છે. તેમણે લખ્યું છે કે, તેના માટે એ સ્વીકારવુ અત્યંત મુશ્કેલ છે કે, તે રતન ટાટાને ફરી ક્યારેય હસતા જોઈ શકશે નહીં. 86 વર્ષીય રતન ટાટાનું નિધન 9 ઓક્ટોબર બુધવાર રાત્રે 11.30 વાગ્યે થયું હતું. શાંતનુ નાયડૂ રતન ટાટાનો અંગત મિત્ર અને ટાટા ટ્રસ્ટનો સૌથી યુવા જનરલ મેનેજર પણ છે. નાયડૂ 2014માં પ્રથમ વખત રતન ટાટાને મળ્યો હતો. અને બંને ડોગ લવર્સ ગાઢ મિત્ર બની ગયા હતા. નાયડૂએ છેલ્લા ત્રણ દિવસમાં શોક સંદેશ મોકલનાર લોકોનો આભાર માન્યો હતો. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મુંબઈના એક પોલીસકર્મીએ અશ્રુભીની આંખો સાથે નાયડૂને ગળે લગાવ્યો હતો અને સાંત્વના આપી હતી. જેમનો પણ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે, રતન ટાટાની અંતિમ વિધિ દરમિયાન એક પોલીસ કર્મીએ રડતા શાંતનુને સાંત્વના આપતાં ગળે લગાવ્યો હતો. શાંતનુએ પોસ્ટમાં લખ્યું કે, અંતે બેસીને અનુભવ કરવાનો મોકો મળી રહ્યો છે. હું એ વાતનો સ્વીકાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે, તેમને હવે ક્યારેય હું હસતા જોઈ શકીશ નહીં. અને તેમને હસાવી પણ શકીશ નહીં.