બદલી માટે નાણાં લીધા હોવાનું સાબિત થશે તો રાજકારણ છોડી દઇશ: સિદ્ધરમૈયા

November 20, 2023

સરકારી અધિકારીઓની બદલીના એક પણ કેસમાં જો સાબિત થશે કે મેં નાણાં લીધા છે તો હું રાજકારણ છોડી દઇશ તેમ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જેડી(એસ) રાજ્ય પ્રમુખ એચ ડી કુમારસ્વામીએ મુખ્યપ્રધાન અને તેમના પુત્ર યથીન્દ્રએ વારંવાર આરોપ મૂક્યો હતો કે  તેમણે સરકારી અધિકારીઓની બદલીમાં નાણા લીધા હતાં. સિદ્ધરમૈયાએ આરોપ મૂક્યો છે કે નાણા લઇને બદલી કરવાના કેસ કુમારસ્વામી મુખ્યપ્રધાન હતાં ત્યારે જોવા મળ્યા હતાં. કુમારસ્વામીના આક્ષેપોના જવાબમાં સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે કુમારસ્વામી એ નાણાની વાત કરી રહ્યાં છે જે તેમણે પોતાના કાર્યકાળમાં સરકારી અધિકારીઓની બદલી માટે લીધા હતાં. સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે અમારા કાર્યકાળમાં અમે કોઇ નાણાં લીધા નથી. તેમણે જણાવ્યું હતું કે મેં અગાઉ પણ કહ્યું હતું કે બદલીના એક પણ કેસમાં મે નાણા લીધા હોવાનું પુરવાર થશે તો હું રાજકારણમાંથી સન્યાંસ લઇ લઇશ. ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીએ તાજેતરમાં જ સિદ્ધરમૈયા અને તેમના પુત્ર યથીન્દ્ર વચ્ચે ફોન પર થયેલી વાતચીતને આધારે સરકારી અધિકારીઓની બદલીમાં બંને પર નાણાં લેવાનો આરોપ મૂક્યો હતો. જો કે મુખ્યપ્રધાન અને તેમના પુત્રએ આ આરોપોને ફગાવી દીધા હતાં.