રૂપિયા સામે ડોલર મજબુત થતા વિદેશથી આયાત કરનારાઓની ચિંતા વધી

September 24, 2022

રૂપિયા સામે ડોલર મજબુત થતા વિદેશથી રફ હીરા, યાર્ન અને મશીનરી સહિતની વસ્તુઓ આયાત કરનારાઓને નિરાશા થઇ છે. સુરતમાં ઉદ્યોગકારો વિદેશથી રફ હીરા, મશીનરી, યાર્ન સહિતની વસ્તુ ઓ આયાત કરે છે.

માલ ખરીદીની શરત પ્રમાણે જે વેપારીઓ હાલના દિવસોમાં પેમેન્ટ કરી રહ્યા છે તેઓ વધારે કીમત ચુકવવાની નોબત આવી છે. જેને પગલે વિદેશથી આયાત કરનારાઓ મુંઝાઇ રહ્યા છે. શુક્રવારે ભારતીય રૂપિયા સામે ડોલર 81 રૂપિયાની આસપાસ રહ્યો હતો. જેને લીધે વેપારી આલમમાં પણ ચિંતાનો માહોલ છે.

ખાસ કરીને જે ઉદ્યોગકારો વિદેશથી આયાત કરીને અહીં તેનું વેચાણ કરે છે તેઓ મુંઝવણમાં મુકાયા છે. સુરતમાં રફ હીરા, યાર્ન અને ટેક્સટાઇલ મશીનરી સહિતની વસ્તુઓ આયાત કરવામાં આવે છે. જેનું પેમેન્ટ શરત પ્રમાણે કરવામાં આવે છે.

હીરા ઉદ્યોગમાં પણ રફ હીરાની ખરીદી પછી સામાન્ય રીતે 45 થી 120 દિવસમાં પેમેન્ટ ચુકવવાનું હોય છે. હાલ જે લોકોને પેમેન્ટ કરવાની મુદ્દત છે તેઓએ વધારે કીમત ચુકવવી પડશે. મશીનરીની ખરીદી કરનારાઓને પણ ડોલરની કીમતો વધતા વધારે મુડી ખર્ચ કરવી પડશે.