IND vs ENG: પહેલી જ વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, 39 ઓવરમાં જ ભારતની જીત

February 06, 2025

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI સીરિઝમાં શાનદાર શરૂઆત કરી હતી. બંને ટીમો વચ્ચે પહેલી મેચ ગુરુવારે (6 ફેબ્રુઆરી) ના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. જે મેચ ભારતીય ટીમે માત્ર 38.4 ઓવરમાં 4 વિકેટે જીતી લીધી. આમ, ભારતીય ટીમે આ મેચ 68 બોલ બાકી રહેતા જ જીતી છે. મેચમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું. ગિલ, શ્રેયસ અને અક્ષરે ફિફ્ટી ફટકારી હતી. જ્યારે હર્ષિત અને જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી.

આ મેચમાં ઈંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું, કારણ કે પહેલી 8 ઓવરમાં ફિલ સૉલ્ટ અને બન ડકેટે 71 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડ ટીમ કોઈ મોટી પાર્ટનરશિપ કરી નથી શકી. જોસ બટલર અને જૈકબ બૈથેલે જરૂર અડધી સદી ફટકારી, પરંતુ જો રૂટ અને હેરી બ્રૂક સહિત અન્ય તમામ બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા અને આખી ટીમ જ 248 રનમાં આઉટ થઈ ગઈ.

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી

જ્યારે ભારતીય ટીમ 249નો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી. રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા અને 19 રનનો સ્કોર સુધી ટીમના બંને સ્ટાર બેટર આઉટ થઈ ગયા હતા. આ વચ્ચે શ્રેયસ અય્યર અને શુભમન ગિલે કમાલની પાર્ટનરશિપ કરવાની સાથે 94 રન બનાવ્યા. અય્યરે મેચમાં 30 બોલમાં ફિફ્ટ ફટકારી અને મેચમાં તેમણે 36 બોલમાં 59 રન બનાવ્યા. અય્યર તો આઉટ થઈ ગયા પરંતુ બીજી તરફ ગિલ પહાડની જેમ ટકી રહ્યા. ગિલ અને અક્ષર પટેલ વચ્ચે 107 રનની પાર્ટનરશીપ કરી. પટેલે 52 રનની શાનદાર ઈનિંગ રમી.

ગિલ સદી તો ન ફટકારી શક્યા, પરંતુ તેમની 87 રનની ઈનિંગને ભારતીય ટીમની જીત લગભગ નક્કી કરી દીધી. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદ અને આદિલ રશીદ સૌથી સફળ બોલર રહ્યા, બંનેએ બે-બે વિકેટ ઝડપી. આ સિવાય ઝોફ્રા આર્ચર અને જૈકબ બૈથેલે એક-એક વિકેટ ઝડપી.