ફાર્મા, જ્વેલરી, ફૂટવેર ટ્રેડમાં ભારતનો નિકાસ હિસ્સો ઘટયો

May 28, 2023

વૈશ્વિક વેપારમાં ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી અને લેધર-ફૂટવેર જેવા સેક્ટર્સમાં ભારતનો નિકાસ હિસ્સો ઘટતો જોવા મળી રહ્યો છે એમ થિંક ટેન્ક GTRIનું કહેવું છે. જોકે, બીજી બાજુ ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, પેટ્રોલિયમ, ઓટો પાર્ટ્સ, આર્યન એન્ડ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં હિસ્સો વધી રહ્યો હોવાનું તે જણાવે છે.

2015માં ભારતીય ફાર્મા ઉદ્યોગ વિશ્વ વેપારમાં 2.79 ટકા હિસ્સો ધરાવતો હતો. જે 2022માં ઘટી 2.25 ટકા પર જોવા મળી રહ્યો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI)ના જણાવ્યા મુજબ એપરલ, લેધર, શૂઝ અને મરીન પ્રોડક્ટ્સમાં ભારતનો હિસ્સો વૈશ્વિક બજારમાં ઘટી રહ્યો છે. જે માટેનું મુખ્ય કારણ ક્વોલિટી હોવાનું રિપોર્ટ જણાવે છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન્સ અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ તથા મશીનરીના વૈશ્વિક વેપારમાં દેશનો હિસ્સો વધતો જોવા મળી રહ્યો છે. ઉપરોક્ત સેક્ટર્સ વિશ્વ વેપારમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. જેનું કુલ કદ 6 ટ્રિલિયન ડોલરથી વધુ છે.

ભારત ઐતિહાસિક રીતે આ સેક્ટર્સમાં નીચો હિસ્સો ધરાવતું હતું. જોકે તે ધીમે-ધીમે પરંતુ નિર્ણાયક રીતે તેનો હિસ્સો વધારી રહ્યું છે. 2022માં વૈશ્વિલ મર્કેન્ડાઈઝ ટ્રેડમાં ભારતનો હિસ્સો 1.8 ટકા પર હતો. જોકે 2015માં મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સમાં દેશનો હિસ્સો અનુક્રમે માત્ર 0.75 ટકા અને 0.4 ટકા જોવા મળતો હતો. આ ક્ષેત્રોના હિસ્સામાં સાધારણ પરંતુ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.